📌 નીતિ આયોગે રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક લોન્ચ કર્યો
➡️ દેશમાં 2015-16 અને 2019-21 વચ્ચે બહુપરિમાણીય ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા 24.85 ટકાથી ઘટીને 14.96 ટકા થઈ ગઈ છે. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંકમાં તેની જાણકારી આપવામાં આવી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બી.વી.આર. સુબ્રમણ્યમે કહ્યું કે, પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારત 2030 સુધીમાં નિર્ધારિત સીમા પહેલા ટકાઉ વિકાસ લક્ષ્યાંક હાંસલ કરવાના માર્ગ પર છે.
➡️ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી દ્વારા બહાર પાડવામાં આવેલા “નેશનલ મલ્ટીડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ : અ પ્રોગ્રેસ રિવ્યુ 2023” શીર્ષક હેઠળના રિપોર્ટના તારણો અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની સંખ્યા 32.59 ટકાથી ઘટીને 19.28 ટકા થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશમાં 3 કરોડ 43 લાખ લોકો સાથે ગરીબોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે, ત્યારબાદ બિહાર અને મધ્યપ્રદેશનો નંબર આવે છે.
➡️ ભારત 2030ની સમયમર્યાદા પહેલા SDG લક્ષ્યાંક 1.2 હાંસલ કરવાના માર્ગ પર છે. રિપોર્ટમાં નવેમ્બર 2021માં શરૂ કરાયેલ ભારતના રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક (MPI)ને અપડેટ કરવામાં આવ્યો છે.
➡️ આ અહેવાલમાં 36 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને 707 વહીવટી જિલ્લાઓ માટે બહુપરિમાણીય ગરીબીના અંદાજો રજૂ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર બહુપરિમાણીય ગરીબોના પ્રમાણમાં સૌથી ઝડપી ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં જોવા મળ્યો હતો.
➡️ પાંચ વર્ષમાં, MPI મૂલ્ય 0.117થી 0.066 સુધી અડધું થઈ ગયું અને ગરીબીની તીવ્રતા 47 ટકાથી ઘટીને 44 ટકા થઈ હતી.
➡️ રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક એ આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણો પર આધારિત ગરીબીને વ્યાખ્યાયિત કરતું સર્વગ્રાહી માપ છે અને આ માધ્યમથી રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સુધારણા યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જે 12 SDG-સંરેખિત સૂચકાંકો દ્વારા રજૂ થાય છે.
Read More