📌 દેશમાં બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી : નવીન પટનાયક
➡️ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દેશમાં બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બની ગયા છે. નવીન પટનાયકે મુખ્યમંત્રી તરીકે 23 વર્ષ અને 139 દિવસ પૂર્ણ કરતા જ સીપીઆઈ(એમ)ના દિગ્ગજ નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનો રેકોર્ડ તોડી દીધો છે. જ્યોતિ બસુ 23 વર્ષ 137 દિવસ સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. જ્યોતિ બસુ 21 જૂન 1977 થી 5 નવેમ્બર 2000 સુધી મુખ્યમંત્રી હતા.
➡️ નવીન પટનાયક ઓડિશાના મુખ્યમંત્રી તરીકે પાંચ વખત રહી ચૂક્યા છે. નવીન પટનાયકે 5 માર્ચ, 2000ના રોજ પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારથી તેઓ આ પદ પર છે. અગાઉ, નવીન પટનાયક 1998 થી 2000 સુધી કેન્દ્રીય સ્ટીલ અને ખાણ મંત્રી રહી ચૂક્યા છે. નવીન પટનાયક વર્ષ 2000, 2004, 2009, 2014, 2019માં સતત 5 વખત મુખ્યમંત્રી બન્યા હતા.
➡️ નવીન પટનાયક દેશના દિગ્ગજ નેતા બીજુ પટનાયકના પુત્ર છે. નવીન પટનાયકે 1997માં પિતા બીજુ પટનાયકના અવસાન બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 26 ડિસેમ્બર 1997ના રોજ જનતા દળથી અલગ થઈને નવીન પટનાયકે પિતાના નામ પર એક નવી પાર્ટી ‘બીજુ જનતા દળ’ની રચના કરી હતી.
➡️ ભારતના કોઇપણ રાજ્યમાં સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી પદે રહેવાનો રેકોર્ડ સિક્કિમના પવન કુમાર ચામલિંગના નામે છે. તેઓ ડિસેમ્બર 1994 થી મે 2019 સુધી સિક્કિમના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. આમ પવન કુમાર ચામલિંગ 24 વર્ષ અને 166 દિવસનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ધરાવે છે. ચામલિંગ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ વતી 12 ડિસેમ્બર 1994 થી 27 માર્ચ 2019 સુધી સતત સિક્કિમના મુખ્ય પ્રધાન હતા.
Read More