📌 કારગિલ વિજય દિવસ
➡️ દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિજય દિન અથવા કારગિલ વિજય દિન 26મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. ઇ.સ. 1999માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો. કારગિલ યુદ્ધ મે-જુલાઈ 1999 ની વચ્ચે જમ્મુ અને કાશ્મીરના કારગીલ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) સાથે લડવામાં આવ્યું હતું, જેમાં ભારતનો વિજય થયો હતો.
➡️ લદ્દાખમાં સ્થિત કારગિલ સમુદ્ર સપાટીથી 2676 મીટરની ઉંચાઈ પર આવેલું છે. તે લેહ પછી લદ્દાખનું બીજું સૌથી મોટું શહેર છે, જ્યાં બરફથી ઢંકાયેલી ટેકરીઓની મધ્યમાં સુંદર દ્રાસ ખીણ આવેલી છે. આ ખીણ ઝોજિલા પાસથી શરૂ થાય છે. પ્રવાસીઓ સુરુ વેલીથી દ્રાસ વેલી સુધી ટ્રેક કરી શકે છે. કારગિલ એ જમ્મુ અને કાશ્મીર રાજ્યના એક વહીવટી મંડળનું મુખ્ય મથક છે. તે કાશ્મીરના ભૌગોલિક પ્રદેશના મધ્યમાં ઝાસ્કર પર્વતમાળાના ઉત્તર તરફના ઢાળ પર 2,676 મીટરના અંતરે આવેલું છે. કારગિલ મંડળના સમગ્ર વિસ્તારમાં શિયાળામાં પુષ્કળ બરફ પડતો હોવાથી તે ઋતુમાં દર વર્ષે ભારતીય સૈનિકો તે વિસ્તારમાં ઊભી કરવામાં આવેલી પોતાની સીમા-ચોકીઓ ખાલી કરી નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરતા હોય છે.
➡️ 1999ના વર્ષમાં પાકિસ્તાને તેનો લાભ લઈ ભારતીય સૈનિકોએ ખાલી કરેલ સીમા-ચોકીઓ પર બદઇરાદાથી પાકિસ્તાની લશ્કરના જવાનોનો કબજો ગોઠવી દીધો હતો. આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બીજી તરફ ખદેડી મુકવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.
Read More