તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક – 2023 એનાયત
- તપાસમાં તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ 140 પોલીસ કર્મચારીઓને તાજેતરમાં “કેન્દ્રિય ગૃહ મંત્રી ચંદ્રક” (Union Home Minister’s Medal for Excellence in Investigation) – 2023 એનાયત કરવામાં આવ્યા હતા. આ 140 પોલીસ કર્મચારીઓમાંથી, 15 સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના, 12 નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અને 2 નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
- આ મેડલની શરૂઆત વર્ષ 2018મા ગુનાની તપાસના ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા તેમજ તપાસમાં શ્રેષ્ઠતાને માન્યતા આપવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી.
- કેન્દ્રિય ગૃહ મંત્રી ચંદ્રક એ એક વાર્ષિક ધોરણે આપવામાં આવતો મેડલ છે. જેની દર વર્ષે 12મી ઓગસ્ટના રોજ કેન્દ્રિય ગૃહ મંત્રી દ્વારા આ ચંદ્રકની જાહેરાત કરવામાં આવે છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને રાજ્ય/ કેન્દ્રશાસિત પોલીસ તપાસ એજન્સીઓના સભ્યોને તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી ચંદ્રક એનાયત કરવામાં આવે છે.
- આ મેડલનો ઉદ્દેશ ભારતમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં ગુનાની તપાસના ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવાનો અને પોલીસ સંસ્થાઓના તપાસ અધિકારીઓ દ્વારા તપાસમાં આવી શ્રેષ્ઠતાને ઓળખવાનો છે.
- આ પ્રતિષ્ઠિત મેડલ માટે પસંદ કરાયેલા અધિકારીઓમાં પોલીસ અધિક્ષક, મદદનીશ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ કમિશનર, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, 22 મહિલા પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
- તેમાંથી, 10 ઉત્તર પ્રદેશમાંથી, 09 કેરળ અને રાજસ્થાનમાંથી, 08 તામિલનાડુમાંથી, 07 મધ્યપ્રદેશના અને 06 ગુજરાતના છે અને બાકીના અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો/સંસ્થાઓમાંથી છે.
ધોલપુર-કરૌલી રાજસ્થાનનું 5મું વાઘ અનામત
- નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા મંજૂરી મળ્યા બાદ ધોલપુર-કરૌલી ટાઈગર રિઝર્વ રાજસ્થાનનું 5મું વાઘ અનામત બન્યું છે. નવું આરક્ષિત ક્ષેત્ર કુલ 1,075 ચો.કિ.મી.નું ક્ષેત્રફળ, 495 ચો.કિ.મી.ના બફર ઝોન અને 580 ચો.કિ.મી.નું મુખ્ય ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. ધોલપુર-કરૌલી રાજસ્થાનનું 5મું વાઘ અનામત અને દેશનું 54મુ વાઘ અનામત બન્યું છે.
- રાજસ્થાનના અન્ય અનામત : રામગઢ વિષધારી ટાઇગર રિઝર્વ, મુકન્દ્રા હિલ્સ ટાઇગર રિઝર્વ, રણથંભોર ટાઇગર રિઝર્વ અને સરિસ્કા ટાઇગર રિઝર્વ છે. રાજસ્થાનમાં કરૌલી-સરમથુરા-ધોલપુર અભયારણ્યને સત્તાવાર રીતે ધોલપુર-કરૌઈ ટાઈગર રિઝર્વ (DTR) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રામગઢ વિશધારી રાજ્યનું ચોથું વાઘ અનામત હતું.
ગુજરાતના સુરતમાં ‘ધ વર્લ્ડ’ નામનું પ્રથમ બહુહેતુક હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર
- 2013 અને 2019માં વસવાટ માટે શ્રેષ્ઠ શહેર તરીકે સ્થાન મેળવનાર સુરત, ભારતના સ્માર્ટ શહેરોમાં ટોચનું શહેર છે, જે હવે ગુજરાતનું પ્રથમ ખાનગી માલિકીની જાહેર હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરનું ઘર બનવા જઇ રહ્યું છે. આ નોંધપાત્ર કેન્દ્રનો વિકાસ પૂર્ણ થઈ ગયો છે અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના માનમાં 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ એક ગૃહ પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું છે.
- આ સુરતનું પ્રથમ હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર છે, જે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય અને ગુજરાત પ્રવાસન મંત્રાલય દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર વિકસાવવામાં આવ્યું છે. ‘ધ વર્લ્ડ’માં કુલ 288 ડીલક્સ અને એક્ઝિક્યુટિવ પ્રીમિયમ એપાર્ટમેન્ટ રૂમનો સમાવેશ થાય છે, દરેક આધુનિકતા અને સુવિધાઓથી સજ્જ છે.
ચૂંટણી પંચે ભારત રત્ન સચિન તેંડુલકરને ‘નેશનલ આઈકોન’ બનાવ્યા
- લોકસભા ચૂંટણી-2024ની તૈયારીઓને ધ્યાને રાખી રાષ્ટ્રીય ચૂંટણી પંચે વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે સચિન તેંડુલકરને ‘નેશનલ આઈકોન’ બનાવ્યા છે. 23 ઓગસ્ટે નવી દિલ્હીમાં સચિન તેંડુલકર અને ચૂંટણી પંચની પેનલ વચ્ચે એક સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
- ત્રણ વર્ષના સમજુતી કરાર હેઠળ તેંડુલકર મતદારોમાં જાગૃતિનો સંદેશ ફેલાવશે. 2019ની લોકસભા ચૂંટણીમાં એમ.એસ.ધોની,આમિર ખાન અને મેરી કોમ જેવા દિગ્ગજોને ચૂંટણી પંચના નેશનલ આઈકોન બનાવાયા હતા. સચિન પહેલા ચૂંટણી પંચે ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અને મહેન્દ્ર સિંહ ધોનીને પણ નેશનલ આઈકોન બનાવ્યા છે.
‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના
- ગુડ્સ અને સર્વિસ ટેકસ વિભાગ દ્વારા ‘મેરા બિલ મેરા અધિકાર’ જાહેર કરવામાં આવી છે. આ યોજના 1 સપ્ટેમ્બરે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બહાર પાડવામાં આવશે. CBIC દ્વારા પાઇલોટ પ્રોજેકટ ગુજરાત, આસામ, હરિયાણા, પોંડેચેરી, દાદરા નગર હવેલી તથા દમણ અને દીવમાં પ્રાયોગિક રૂપે શરૂ કરવામાં આવશે.
- ઇન્વોઇસ પ્રમોશન સ્કીમ હેઠળ, રિટેલર અથવા જથ્થાબંધ વેપારી પાસેથી મેળવેલા બિલ (ઇનવોઇસ)ને ‘અપલોડ’ કરનારા લોકોને માસિક/ત્રિમાસિક રૂ. 10 લાખથી રૂ. 1 કરોડ સુધીના રોકડ પુરસ્કારો આપવામાં આવી શકે છે.
- સરકારને આવક વધુ મળે તથા ગ્રાહકો જ વેપારીઓ પાસેથી બીલ માંગે તે માટે મેરા બીલ મેરા અધિકાર યોજના GSTએ રજુ કરી છે. જેમાં રૂ. 200 થી વધુની ખરીદીના બીલ મેરા બીલ મેરા અધિકાર મોબાઇલ એપ ઉપર અપલોડ કરી શકાશે.
- મેરા બિલ મેરા અધિકાર’ મોબાઇલ ઍપ IOS અને ઍન્ડ્રૉઇડ બન્ને પ્લૅટફૉર્મ્સ પર અવેલેબલ રહેશે. આ ઍપ પર અપલોડ કરવામાં આવેલા ઇન્વૉઇસમાં સેલરનો GSTIN, ઇન્વૉઇસ નંબર, ચૂકવવામાં આવેલી અમાઉન્ટ અને ટૅક્સની રકમ હોવી જોઈએ.
- એક વ્યક્તિ આ ઍપ પર એક મહિનામાં મૅક્સિમમ પચીસ ઇન્વૉઇસ અપલોડ કરી શકશે અને ઓછામાં ઓછા 200 રૂપિયાની ખરીદીના ઇન્વૉઇસ હોવાં જોઈએ. 500થી વધુ કમ્પ્યુટરાઇઝ્ડ લકી ડ્રૉ દર મહિને કરવામાં આવશે, જેમાં લાખો રૂપિયાના પ્રાઇઝ-મની હોઈ શકે છે. ત્રણ મહિને બે લકી ડ્રૉ કરવામાં આવશે, જેમાં પ્રાઇઝની રકમ એક કરોડ રૂપિયા હોઈ શકે છે.
Read More